મહેસાણા ખાતે ૬૮ મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા જુડો રમતના અંડર-૧૪ ભાઇઓ,બહેનોની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરાયો
સ્પર્ધામાં ૩૧ રાજ્યોના/યુનિટના ૨૦૯ ભાઈઓ અને ૧૯૭-બહેનો મળી ૪૦૬ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે

વાત્સલ્યમ ન્યૂઝ
બળવતસિંહ ઠાકોર,મહેસાણા
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મહેસાણા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ૬૮ મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા જુડો રમતના અંડર-૧૪ ભાઇઓ/બહેનોની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનું તા.૦૪ થી ૦૮ ઓકટોબર-૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ જુડો સ્પર્ધાનો આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ અને લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાંચોટ, મહેસાણા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલે જણાવ્યું હતું કે, રમતગમત પ્રત્યે રુચિ કેળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લઈ અનેક ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.
વધુમાં તેમણે આજે મહેસાણા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાનાર જુડો સ્પર્ધામાં વિવિધ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે તેમ જણાવી આ વિદ્યાર્થીઓ પોતાના રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવીને તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અભિનંદન પાઠવ્યા હતા.
હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આ ખેલ મહાકુંભના માધ્યમથી અનેક ગ્રામિણ વિસ્તારના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ જેવા રમતગમતના કાર્યક્રમો થકી આજે વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય બહાર લાવીને રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાંચોટ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આ ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને નામના અપાવી છે.
આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ચીફ કોચશ્રી એલ.પી. બારીયાએ સ્વાગત પ્રવચન અને જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરલ ચૌધરીએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં બહુચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, જુડો ગુજરાત સ્ટેટ એસોસિએશનના પ્રેસિડેન્ટશ્રી આત્મારામભાઈ પટેલ, ટુર્નામેન્ટના ઓબ્ઝર્વરશ્રી દિનેશ ધુર્વે, વિવિધ રાજ્યોના જુડો સ્પર્ધાના કોચ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.







