
વિજાપુર : ક્રોપ ડાયવર્સીફિકેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બે દિવસીય વિસ્તરણ અધિકારી તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખેડૂતો માટે ક્રોપ ડાયવર્સીફિકેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન તા. ૦૮/૦૧/૨૦૨૬ના રોજ ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંકલિત ખેતી સંશોધન કેન્દ્ર, સદારકૃષિનગર – દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ઓન ફાર્મ રિસર્ચ યોજના, ખેડબ્રહ્મા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિજાપુર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો તેમજ ગામના વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એલ. જી. દેસાઈ, ડૉ. એમ. એસ. ડાભી (એગ્રોનોમિસ્ટ), ડૉ. એમ. પી. ચૌધરી, ડૉ. આર. વી. ઠક્કર, ડૉ. જે. આર. પટેલ તથા શ્રી વી. એમ. પટેલ (વિસ્તરણ અધિકારી) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમમાં સંકલિત ખેતી પદ્ધતિ, ઘઉં, તુવેર તથા મગફળી પાકમાં ક્રોપ ડાયવર્સીફિકેશનનું મહત્વ, જમીન વ્યવસ્થાપન તેમજ ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લાડોલ, જેપુર સહિતના ગામોના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી આર. એમ. પટેલ તથા પ્રોજેક્ટમાં કાર્યરત શ્રી આર. કે. પટેલના સહયોગથી ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.





