
નવી ગાડી લેવા પિયરથી ૫ લાખ લાવવા દબાણ કરી પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી
વિજાપુરના વસાઈ ગામે ૧૬ વર્ષના લગ્નજીવન બાદ પતિ અને સસરા સામે દહેજ અને ત્રાસની ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસાઈ ગામે ભીમનાથ મહાદેવ વાસમાં રહેતી એક પરિણીતાને તેના પતિ અને સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી, નવી ગાડી લેવા માટે પિયરથી ૫ લાખ રૂપિયાની માંગણી કરી માર મારી ઘરમાંથી કાઢી મૂકતા વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ પિલવાઈ ગામના પાયલબેન વિહોલના લગ્ન આશરે ૧૬ વર્ષ અગાઉ વસાઈ ગામના ગજેન્દ્રસિંહ શંકરજી ચાવડા સાથે થયા હતા. લગ્ન સમયે પિતૃપક્ષ તરફથી ૨૫ તોલા સોનું અને ચાંદીના ઘરેણાં આપવામાં આવ્યા હતા. સંતાનમાં બે દીકરા હોવા છતાં, છેલ્લા કેટલાક સમયથી પતિ ગજેન્દ્રસિંહ અને સસરા શંકરજી પ્રતાપજી ચાવડા નાની નાની બાબતોમાં ભૂલો કાઢી મહેણાં-ટોણાં મારતા હતા. પોલીસ સૂત્રો ની મળતી માહિતી મુજબ, ગત ૧૪મી ડિસેમ્બરના રોજ સવારના સમયે પતિ અને સસરાએ પાયલબેનને બેફામ ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો. પતિ ગજેન્દ્રસિંહે ધમકી આપી હતી કે, “મારે નવી ગાડી લેવી છે, તારા પિતા પાસેથી ૫ લાખ રૂપિયા લઈને આવજે, જો પૈસા વગર આવીશ તો જાનથી મારી નાખીશ.” તેમ કહી પહેરેલ કપડે પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી.સમગ્ર મામલે પાયલબેને વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ગજેન્દ્રસિંહ (વ્યવસાય-ફાઇનાન્સ) અને સસરા શંકરજી ચાવડા (નિવૃત્ત) વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આ કેસની પ્રાથમિક તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મળતા વિધિવત ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




