MEHSANAVIJAPUR

શિક્ષક પરિવાર સાથે લાખોની ઠગાઈનો આક્ષેપ ખેરાલુ તપોવન ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સામે ફરિયાદ ₹58 લાખની ઉચાપત, છેતરપિંડી અને હુમલાના આક્ષેપોથી મામલો ગરમાયો

શિક્ષક પરિવાર સાથે લાખોની ઠગાઈનો આક્ષેપ
ખેરાલુ તપોવન ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સામે ફરિયાદ
₹58 લાખની ઉચાપત, છેતરપિંડી અને હુમલાના આક્ષેપોથી મામલો ગરમાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોટ ગામના નિવાસી એક શિક્ષક પરિવારે ખેરાલુ સ્થિત તપોવન ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદમાં આશરે ₹58 લાખથી વધુની રકમની ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત અને હુમલાના આક્ષેપો કરવામાં આવ્યા છે.ભાગીદારીથી શરૂ થયેલી સંસ્થા વિવાદમાં ફરિયાદી પટેલ ડાહ્યાભાઈ પુંજીરામ (ઉ. 68) દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજી મુજબ, વર્ષ 2016માં તેમના દીકરા પટેલ જગદીશકુમાર ડાહ્યાભાઈ અને દેસાઈ ઉમંગ પ્રવિણભાઈએ મળીને તપોવન ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી હતી. સંસ્થા શ્રી જ્ઞાનદીપ ટ્રસ્ટ હેઠળ ચાલતી હોવાનું જણાવાયું છે અને બંને વચ્ચે 50-50 ટકાની ભાગીદારી નક્કી કરવામાં આવી હતી.
લોન અને મૂડી રોકાણ અંગે ખુલાસા
ફરિયાદ મુજબ શરૂઆતમાં આશરે ₹6.94 લાખનું મૂડી રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના ખર્ચ માટે ફરિયાદી પરિવાર તરફથી વારંવાર લોન આપવામાં આવી હતી. વર્ષ 2024-25ના ઓડિટ મુજબ ફરિયાદી દ્વારા ₹22.61 લાખ અને તેમના દીકરા દ્વારા ₹3.53 લાખ લોન પેટે આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
હિસાબોમાં ગેરરીતિ અને ફી ઉઘરાણીના આક્ષેપ
ફરિયાદમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી સંચાલકો હિસાબોમાં પારદર્શિતા રાખતા નથી. વિદ્યાર્થીઓ પાસેથી નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલ કરી શાળાના ખાતામાં જમા કરવાના બદલે પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરવામાં આવી હોવાનું ગંભીર આક્ષેપ છે. કેટલીક રકમ કેશમાં લઈ હિસાબોમાં દાખલ ન કરાઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
₹58 લાખથી વધુની ઉચાપતનો દાવો
ફરિયાદી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્થાના નફા અને લોનની રકમ મળી કુલ આશરે ₹58,09,994 જેટલી રકમની ઉચાપત કરવામાં આવી છે..સંસ્થાના હિસાબ અંગે પૂછપરછ કરવા જતા દેસાઈ ઉમંગ પ્રવિણભાઈ તથા તેમના સંબંધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાનો વિડિયો પુરાવો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.ગેરકાયદેસર બિલ્ડિંગ અને કાર્યક્રમ અંગે વિવાદ કરેલ અરજી સ્વરૂપે ની ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સંસ્થાની રકમનો ઉપયોગ કરીને આરોપીઓ પોતાના ખેતરમાં ભાગીદારની મંજૂરી વગર નવી શાળા બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. ઉપરાંત 21 માર્ચે ત્યાં એન્યુઅલ ફંક્શન યોજવાની તૈયારીને પણ ફરિયાદીએ ગેરકાયદેસર ગણાવી વિરોધ નોંધાવ્યો છે..ફરિયાદીએ ખેરાલુ પોલીસને સમગ્ર મામલે તપાસ કરી ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત અને હુમલા અંગે કાયદેસર ગુનો નોંધવાની માંગણી કરી છે. હાલ આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
હવે આ ગંભીર આક્ષેપોને લઈને પોલીસ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!