
વિજાપુર તાલુકામાં એન્ટી લેપ્રસી ડેની ઉજવણી, રક્તપિત રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા લેપ્રસી યુનિટ મહેસાણા તથા તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુરના માર્ગદર્શન હેઠળ એન્ટી લેપ્રસી પખવાડીયા અંતર્ગત વિજાપુર તાલુકાના મણિપુરા, માલોસણ અને રામપુરા કોટ ગામોમાં એન્ટી લેપ્રસી ડેની ઉજવણી સાથે રક્તપિત (લેપ્રસી) રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ દરમિયાન જનસમુદાયને રક્તપિત રોગના ચિહ્નો, લક્ષણો અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. ડો ચેતનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે શરીર પર રતાશ પડતા તથા ચળકતા એક કે એકથી વધુ ચાઠા દેખાય અને તેમાં સંવેદનાનો અભાવ જણાય તો રક્તપિત રોગની શક્યતા રહે છે. સમયસર સારવાર ન કરાય તો કાનની બૂટ, આંગળીઓના આગળના ભાગ અને આંખની ભમરો ખરાબ થવા જેવી વિકૃતિઓ સર્જાઈ શકે છે.
આ પ્રસંગે રક્તપિતના દર્દીઓ પ્રત્યે સંવેદના રાખવા, ભેદભાવ ન કરવા તથા અંધશ્રદ્ધા દૂર કરવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી. “ભેદભાવનો અંત લાવીએ, ગૌરવ સુનિશ્ચિત કરીએ”ના સંદેશ સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.




