
વિજાપુર સ્મશાન પાસે ડંપિંગ સાઇટથી દુર્ગંધનો ત્રાસ, રહીશો એ ડંપિંગ સાઈટ હટાવવા માંગ,આમ આદમી પાર્ટી એ પણ રહીશો સાથે માંગ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક ઉભી કરાયેલ ડંપિંગ સાઇટ છેલ્લા કેટલાક સમયથી રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કચરો, ગંદકી અને મરેલા ઢોર અહીં નાખવામાં આવતા આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગોગા મહારાજ મંદિર વિસ્તાર, ભાટીયાવાસ સહિતના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે.આ બાબતે સ્થાનીક રહીશોના સ્વસ્થ્ય માટે આમ આદમી પાર્ટીએ મુદ્દાને ઊંચો ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતુંકે “ડંપિંગ સાઇટમાંથી ઉડતા પ્લાસ્ટિક અને કચરાથી આખો વિસ્તાર પ્રદૂષિત થઈ રહ્યો છે. બાળકો અને વડીલો બીમારીની ઝપેટમાં આવી શકે છે. ગરીબ વર્ગ વસે છે એવા વિસ્તારોમાં આકરા આરોગ્ય જોખમો ઊભા થઈ ગયા છે.”રહીશોના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકની થેલીઓ ગાયો આરોગી લેતા અનેક ગાયો મોતને ભેટી છે. જ્યારે સ્મશાન જેવી પવિત્ર જગ્યા પાસે જ ડંપિંગ સાઇટ બનાવવામાં આવતાં લોકોમાં આક્રોશ છવાયો છે.સ્મશાન અને આવાસીય વિસ્તારથી ડંપિંગ સાઇટને ઘણાં દૂર ખસેડવામાં આવે અને ગંદકીની સમસ્યા દૂર કરી નગરપાલિકા પબ્લિક હિતમાં જગ્યા નો ઉપયોગ કરે તેમજ કચરો અને મરેલા ઢોર નાખવાની પ્રથા પર કડક નિયંત્રણ લાવવામાં આવે આ અંગે રહીશોનું કહેવું છે કે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દે તેઓ આગળ વધીને તીવ્ર આંદોલન કરશે. નગરપાલિકા તંત્ર હવે આ ગંભીર સમસ્યાને કેવી રીતે હલ કરે છે તેની રાહ સમગ્ર વિસ્તાર જોઈ રહ્યો છે.આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરુણ પટેલ શહેર પ્રમુખ મેહુલ પટેલ પ્રકાશ ભાઈ ચિરાગ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી વિપુલ પટેલ સહિતે ડંપિંગ સાઈટ હટાવવાની રહીશો ને સાથે રાખી માંગ કરી હતી.




