અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નેપાળના પોખરામાં અરવલ્લીનો પરિવાર ફસાયો, પરિવાર હાલ સુરક્ષિત : નેપાળ ના પોખરા હોટલથી પરિવારનો વિડિઓ આવ્યો સામે
અરવલ્લી જિલ્લામાંથી પ્રવાસે ગયેલો એક પરિવાર હાલ નેપાળના પોખરા શહેરમાં ફસાઈ ગયો છે. પોખરામાં ચાલી રહેલા પ્રદર્શન અને તંગદિલી વચ્ચે પરિવાર હોટલમાં રોકાયો છે. પરિવારનો વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ હાલ સુરક્ષિત હોવાનો સંદેશો આપી રહ્યા છે.માહિતી મુજબ, અરવલ્લી જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પોતાના પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા. તેમના સાથે રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી, પ્રિયંકાબેન બોદર તેમજ બિહારનો એક કાર ડ્રાઈવર મળી કુલ પાંચ લોકો હોટલમાં છે.સ્થાનિક પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. પરિવાર જે હોટલમાં રોકાયો છે તેની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ છ હોટલોમાં આગ લગાવી દીધી છે. હાલ હોટલની અંદર પરિવાર સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના કલેક્ટર સહીત અધિકારીઓ પરિવાર સાથે સતત સંપર્કમાં છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.પોખરામાં આર્મી દ્વારા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. પરિવાર હાલ ચીનો હોટલમાં રોકાયો છે અને તંત્ર સાથે સતત સંપર્કમાં છે. સ્થાનિક તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વહેલી તકે સુરક્ષિત રીતે બહાર લાવવા પ્રયાસો થઈ રહ્યા છે.