વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ ઓગસ્ટ : ટીબી ચેમ્પિયન્સ એવી વ્યક્તિ છે જેને અગાઉના સમયમાં ટીબી થયો હતો અને સફળતાપૂર્વક ટીબી રોગની સારવાર પૂર્ણ કરી છે, જેથી ટીબી ચેમ્પિયન્સ એ રોલમોડેલ છે. ટીબી ચેમ્પિયન ટીબી રોગના દર્દીઓ તથા પરિવારોને ટેકો અને સમજણ આપી શકે છે.ટીબી રોગના દર્દીઓને ઝડપથી શોધી શકાય તેમજ સમુદાયમાં શોધાયેલા દર્દીઓને સારવાર કરીને ઝડપથી તેમને સાજા કરી શકાય તે ખૂબ જ મહત્વની બાબત છે. ટીબી રોગની સારવાર લઈ સાજા થયેલા ટીબી ચેમ્પિયન્સ માટેનો તાલીમ વર્કશોપ જિલ્લા ક્ષય કેન્દ્ર ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.મનોજ દવેએ જણાવ્યું હતું. કે વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવાના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ જમીની સ્તરના લોકોને જોડવા ખૂબ જરૂરી છે. ટીબીના દર્દીઓને પર્યાપ્ત પોષણ ખાતરી કરવા, જાગૃતિ લાવવા, સામાજિક રીતે તેમનો સ્વીકાર કરવા વગેરે બાબતોમાં ટીબી ચેમ્પિયન ખૂબ જ મહત્વનો રોલ અદા કરી શકે છે તેમ તેઓએ જણાવ્યું હતું. આ માટે ટીબી ચેમ્પિયન્સને ટીબી વિશેની વિશેષ તાલીમ વર્કશોપના મારફતે આપવામાં આવી હતી. આ તાલીમમાં ઈસ્માઈલ સમાએ ટીબી ચેમ્પિયન્સના રોલ અને ટીબી ફોરમ કમિટી વિષે વિગતવાર ચર્ચા કરી હતી. રાજેશ જાદવએ ટીબી/એચ.આઈ.વી રોગ વિષે સમજણ આપી હતી તેમજ ભુજ તાલુકાના વિસનજી ગરવાએ જિલ્લા ક્ષય કેન્દ્રના માળખા વિષે વાત કરી હતી. આ તાલીમમાં ટીબી ચેમ્પિયન્સએ પોતાની સારવાર દરમિયાન થયેલા અનુભવો રજૂ કર્યા હતા. જેમાં જિલ્લાના ૦૬ તાલુકામાંથી ટીબી ચેમ્પિયન્સ હાજર રહ્યા હતા.