MEHSANAVIJAPUR

બટાકાના ભાવમાં ધરાશાયી સ્થિતિ વિજાપુર સરદારપુર બજારમાં વેપારીઓની અવરજવર ઘટતા ખેડૂતો પર આર્થિક સંકટ બટાકા ના વાવેતર કરવમાં ખર્ચો વધ્યો પણ બટાકા નો યોગ્ય ભાવ મળતો નથી – ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ ઉઠાવી

બટાકાના ભાવમાં ધરાશાયી સ્થિતિ
વિજાપુર સરદારપુર બજારમાં વેપારીઓની અવરજવર ઘટતા ખેડૂતો પર આર્થિક સંકટ
બટાકા ના વાવેતર કરવમાં ખર્ચો વધ્યો પણ બટાકા નો યોગ્ય ભાવ મળતો નથી – ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ ઉઠાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બટાકાનો વાવેતર કરતા ખેડૂતો ને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો વધુ ચિંતા ગ્રસ્ત બન્યા છે. એક તરફ ગમે ત્યારે કુદરતી સંકટ આવી જાય છે. અને પાક ને નુકશાન કરી જાય છે તો બીજી તરફ વાવેતર કરેલા પાકો ના ભાવ પોષણ ખર્ચ કરતા માં નીચે ગગડી જાય છે. ત્યારે ખેડૂતની હાલત કફોડી બની જાય છે. સરદારપુર ગામને વર્ષોથી બટાકાની ખરીદ-વેચાણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આસપાસના અનેક ગામોના ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા બટાકા અહીં વેચાણ માટે લાવતા હોય છે. સામાન્ય રીતે આ સીઝનમાં બજારમાં વેપારીઓની ભારે અવરજવર રહેતી હોય છે અને બટાકાના મોટા પ્રમાણમાં સોદા થતા હોય છે. જોકે ચાલુ વર્ષે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આ વર્ષે બજારમાં બટાકાની ખરીદી કરવા માટે વેપારીઓ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. પરિણામે ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય ભાવ મળતો નથી. ઘણા સ્થળોએ ખેડૂતોને એવો ઓછો ભાવ ઓફર કરવામાં આવે છે કે ખેતીમાં થયેલો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખાતર, દવા, મજૂરી અને સિંચાઈના ખર્ચ સતત વધી રહ્યા હોવા છતાં પાક વેચતી વખતે મળતો ભાવ ખૂબ ઓછો હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે.
ખેડૂતોનું કહેવું છે કે વર્ષભર મહેનત કરીને પાક ઉગાડ્યા પછી જ્યારે બજારમાં વેચાણ માટે આવે ત્યારે ભાવ ન મળવાથી ભારે નિરાશા થાય છે.રમેશભાઇ પટેલ અને પ્રતીક ભાઈ પટેલ બંને સયુંકત ખેડૂતોએ તો દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે મહેનતનું યોગ્ય મૂલ્ય જ મળતું નથી. મહેનત કરીને પાક તૈયાર કર્યા પછી પણ જો યોગ્ય ભાવ ન મળે તો રાતાપાણી રોવાનો વારો આવે છે તેવી વ્યથા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
ખેડૂતોની મુશ્કેલી માત્ર બટાકા પૂરતી જ સીમિત નથી. થોડા સમય પહેલા મગફળી અને મરચાંના પાકમાં પણ યોગ્ય ભાવ મળ્યા નહોતા. એક પછી એક પાકમાં નુકસાન થતાં ખેડૂતો આર્થિક રીતે ભારે કંટાળેલા અને ચિંતિત બન્યા છે. ખેતી પર આધારિત પરિવારો માટે હાલની પરિસ્થિતિ ખુબ જ મુશ્કેલ બની રહી છે.
સરદારપુર તથા આસપાસના વિસ્તારોના ખેડૂતો હવે સરકાર અને બજાર તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય સહાય અને બજાર ભાવ ન મળે તો આવનારા સમયમાં ખેતી કરવી વધુ મુશ્કેલ બની શકે છે.

Back to top button
error: Content is protected !!