GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય ઝુલૂસ સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ઇસ્લામ ધર્મમાં કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં મનાવવામાં આવતા પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે ખેરગામ ખાતે ભવ્ય તાજીયાનો ઝુલૂસ કોમી એકલાસભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. રવિવારના રોજ ખેરગામના મુસ્લિમ મહોલ્લામાંથી કાઢવામાં આવેલો તાજીયાનો ઝુલૂસ પોલીસ બંદોબસ્ત સાથે ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી મસ્જિદ અને મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયો હતો. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા હતા.આ ઉજવણી દરમિયાન હિન્દૂ-મુસ્લિમ એકતા દર્શાવતા હિન્દૂ સમાજના આગેવાનો – સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડ સહિતના અગ્રણીઓએ મુસ્લિમ આગેવાનો જેવી કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઇન મોટરવાળાનું ફુલહારથી આત્મિય સ્વાગત કર્યું હતું.જોકે ઝુલૂસ પૂર્વે પણ રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનો પાયલોટ ઝુલૂસ નીકળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે ખેરગામ મહિલા પીઆઈ તેમજ તેમના સ્ટાફ, હોમગાર્ડઝ અને ગ્રામ રક્ષક દળના જવાનો ખડે પગે રહી શાંતિ અને વ્યવસ્થા જાળવવા સફળ રહ્યા હતા. આ રીતે તાજીયાના પર્વ નિમિત્તે ખેરગામમાં ધર્મની પરંપરા અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પડાયું હતું.

Back to top button
error: Content is protected !!