વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટ: પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદ ખસેડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જેપુર ગામે આંબાવાડીયા વિસ્તારમાં આજે સવારે એક ભયંકર ઘટના બની હતી. ગેસ ચાલુ કરવાની સાથે જ રસોડામાં મુકેલા ફ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતાં ગીરધરભાઈ પટેલ અને તેમના પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે ગીરધરભાઈ પટેલ ગેસની સગડી ઉપર ચા મૂકવા જઈ રહ્યા હતા. તેમણે જેવો ગેસ ચાલુ કર્યો, તેની સાથે જ નજીકમાં મુકેલા ફ્રીઝમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, રસોડાની બહાર મુકેલો ઝૂલો પણ આગની લપેટમાં આવી ગયો હતો. જ્યારે રસોડા ના બારી દરવાજા ના કાંચ ઘર માં મૂકેલો સર સામાન ને નુકશાન થવા પામ્યું હતું. બ્લાસ્ટનો જોરદાર અવાજ સાંભળીને આડોશી-પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં ગીરધરભાઈ પટેલ અને તેમના પુત્ર મૌલિક પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગીરધરભાઈના પત્નીને સામાન્ય ઈજા થઈ હતી.ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્રિજમાં થયેલા આ ભયાનક બ્લાસ્ટના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.