MEHSANAVIJAPUR

વિજાપુર આંબલીયાસણ રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ સફળ, તાલુકા વાસીઓને ટૂંક સમય માં રેલ યાત્રા ની સુવિધા મળશે

વિજાપુર આંબલીયાસણ રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ સફળ, તાલુકા વાસીઓને ટૂંક સમય માં રેલ યાત્રા ની સુવિધા મળશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા આંબલિયાસણ-વિજાપુર (૪૨.૩૨ કિ.મી.) રેલવે સેક્શનનું મીટર ગેજમાંથી બ્રૉડ ગેજમાં રૂપાંતરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું છે. આ આધુનિક અને સુરક્ષિત રેલવે લાઇન હવે યાત્રીઓ માટે પરિચાલન શરૂ કરવા તૈયાર છે, જેનાથી ઉત્તર ગુજરાતના પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે.રેલવે સંરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ રેલવે દ્વારા ૧૬ અને ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ (Safety Inspection) કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ ઓક્ટોબરના રોજ એન્જિનની ૧૨૦ કિ.મી./કલાકની મહત્તમ ગતિએ સફળ સ્પીડ ટ્રાયલ પણ લેવામાં આવી હતી. સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં જ આ માર્ગ પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે.વર્ષ ૨૦૨૨-૨૩ માં મંજૂર થયેલા આ પ્રોજેક્ટને ૧૬ મે, ૨૦૨૨ ના રોજ ₹૪૧૫.૩૭ કરોડના અંદાજિત ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટના ભાગ રૂપે સેક્શનમાં ૦૨ મેજર બ્રિજ, ૫૧ માઈનોર બ્રિજ અને ૪૫ નવા રોડ અંડર બ્રિજ (RUBs) નું બાંધકામ કરવામાં આવ્યું છે.નવી બ્રૉડ ગેજ લાઈનમાં ૬૦ કિ.ગ્રા.ના નવા રેલવે પેનલ પાથરવામાં આવ્યા છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં રેલવે લાઇનને લેવલ ક્રોસિંગ (કુલ ૦૪) પાસે ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. આ ઉપરાંત, આંબલિયાસણ અને વિજાપુર સ્ટેશનોને સ્ટાન્ડર્ડ-II ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને મલ્ટીપલ એસ્પેક્ટ કલર લાઇટ સિગ્નલિંગ (MACLS) જેવી આધુનિક સુરક્ષા પ્રણાલીઓથી સુસજ્જ કરવામાં આવ્યા છે, જે ટ્રેનોના સંચાલનની સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે.આ ગેજ રૂપાંતરણથી વિજાપુર અને આસપાસના વિસ્તારના યાત્રીઓને દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે પ્રત્યક્ષ કનેક્ટિવિટી મળશે. યાત્રા વધુ સુવિધાજનક, ઝડપી અને સુગમ બનશે, જેનાથી યાત્રા સમયમાં પણ ઘટાડો થશે.આ માર્ગ ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉત્તમ રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે, જે પ્રાદેશિક વેપાર, કૃષિ અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. પ્રોજેક્ટના બાંધકામ અને સંચાલનથી પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ રોજગારના નવા અવસરોનું સર્જન થશે, જે સમગ્ર ક્ષેત્રના સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પશ્ચિમ રેલવેની આ પરિયોજના યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને ક્ષેત્રીય વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વિજાપુર વાસીઓને ટૂંક સમયમાં જ આ આધુનિક અને સુરક્ષિત રેલવે યાત્રાનો લાભ મળવાનો શરૂ થશે.

Back to top button
error: Content is protected !!