
ગાંધીનગર ખાતે આનંદ નિકેતન સ્કૂલ–સુઘડ ખાતે રાજ્ય-રાષ્ટ્રીય ઍવૉર્ડી શિક્ષકોનો ભવ્ય સન્માન સમારોહ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન સ્કૂલ–સુઘડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત માનવંતા મહેમાનોનું શબ્દપુષ્પ તથા સ્મૃતિભેટ અર્પણ કરી ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમારોહમાં શિક્ષણવિદ્ તથા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગર, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી તથા આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટી શ્રી કમલ મંગલે શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને જીવનવિદ્યાના મહત્વ પર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું હતું. ફેડરેશનના મહામંત્રી સંજયભાઈ પટેલે એસ.ટી. બસ પાસ બાબતે રાજ્ય અને રાષ્ટ્રીય ઍવૉર્ડી શિક્ષકોને મળેલી સુવિધાઓ અંગે માહિતી આપી હતી.
માનનીય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “મારા ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન છે. રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાયેલા શિક્ષકો સૈનિકોની જેમ રાષ્ટ્રને અંદરથી મજબૂત બનાવે છે. રાજ્યના બે લાખ શિક્ષકોમાંથી આપ સૌએ વિશિષ્ટ કાર્ય કરીને પોતાની શાળા તથા પોતાનું ગૌરવ વધાર્યું છે.” તેમણે ફેડરેશનના સ્થાપક સ્વ. માનસિંગભાઈ ચૌધરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સમારોહમાં સાહિત્ય, કલા અને ટેકનોલોજી ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શિક્ષકોને ‘સાહિત્યસાધના’, ‘કલાસાધના’ અને ‘ડિજિટલ ગુરુ’ પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૪ના રાજ્ય તથા ૨૦૨૪-૨૫ના રાષ્ટ્રીય ઍવૉર્ડી શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ફેડરેશનના પદાધિકારીઓ અને ટીમે જહેમત ઉઠાવી હતી.





