મુખ્યમંત્રીએ બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ પાર્કની મુલાકાત લઈને વૃક્ષારોપણ કરીને આ પ્રોજેક્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
ઓક્સિજન પાર્કના વિશેષ આકર્ષણો
પીપીપી મોડલ હેઠળ બનેલ આ ઓક્સિજન પાર્ક 1900 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પાર્કમાં આકર્ષક ગજેબો, વિશિષ્ટ વોકિંગ ટ્રેક, અને વિવિધ જાતના ફૂલ છોડ તથા વૃક્ષોના વાવેતર કરાયેલા છે. વાવેતર કરાયેલા વૃક્ષોમાં સફેદ ચંપા, મોગરા, મધુકામિની, બોરસલી, લીમડો, ગુલમહોર, કેસુડો, અને અન્ય અનેક પ્રકારના ઝાડનો સમાવેશ થાય છે.
AMC દ્વારા ગ્રીનરીમાં વધારો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ 75 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ, શહેરમાં 319 ઓક્સિજન પાર્ક અને 303 ગાર્ડન તેમજ અર્બન ફોરેસ્ટ નિર્માણ થયા છે.
ઓક્સિજન પાર્કનો ઝોનવાર વિસ્તરણ:
મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29, અને પશ્ચિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક તૈયાર થયા છે.
ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડન:
મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્ચિમ ઝોનમાં 81, અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 ગાર્ડનનો સમાવેશ થાય છે.આગામી આયોજન અને AMCની પ્રતિબદ્ધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં શહેરની ગ્રીનરી વધારવા અને શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ ઓક્સિજન પાર્કનો લોકાર્પણ કરીAMCના પ્રયત્નોની પ્રશંસા કરી.
લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેંડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન અને અન્ય અધિકારીઓ તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ નવીનતમ ઓક્સિજન પાર્ક શહેરની પર્યાવરણ સુરક્ષા અને ગ્રીનરીમાં વધારો કરતી મહત્વપૂર્ણ સિદ્ધિ બની રહેશે.