નવસારી જિલ્લામાં ૧૦ દિવસમાં ૮૩૪૨ લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૧-ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નવસારી જિલ્લામાં કાર્યરત છે . નવસારી જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી તાલુકાઓમાં બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.નવસારી જિલ્લામાં ૩૦ જુન થી શરુ થયેલ આ કેમ્પમાં ૧૦ જુલાઈ ૨૦૨૫ સુધી કુલ ૮૩૪૨ લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો છે , જેમાં ચીખલીના ૧૫૮૫ , ગણદેવીના ૧૩૦૩ , જલાલપોરના ૬૪૪ , ખેરગામના ૧૦૩૩ , નવસારીના ૨૨૪૩ અને વાંસદા તાલુકાના ૧૫૩૪ લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો છે . આ અભિયાન નવસારી જિલ્લામાં ૧૫ જુલાઈ સુધી કાર્યરત હોય આવનાર કેમ્પના દિવસોમાં વધુમાં વધુ આદિજાતી સમુદાયના નાગરિકો લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે . નવસારી જિલ્લામાં આયોજિત બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વિગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી રહી છે. નોધનીય છે કે, ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.




