
વિજાપુર ના ગ્રામ્ય પંથક માં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન: કિસાન સંઘ દ્વારા સહાયની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં તાજેતરમાં પલટાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને  તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે નુકસાન થયું છે. આ નુકસાન અંગે વળતર અને આર્થિક સહાયની માંગ સાથે  કિસાન સંઘે કિસાન સંઘ ના પ્રમુખ ની રાહદારી હેઠળ નાયબ મામલતદાર અનિલ ભાઈ પટેલ ને આવેદન પત્ર પાઠવ્યું હતું. કમોસમી વરસાદને કારણે તાલુકાના સમગ્ર ગ્રામ્ય પંથક માં રણસીપુર, મોરવાડ ધનપુરા, વજાપુર, ભાણપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને મોટો ફટકો પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકનો મોટા પાયે બગાડ થયો છે, જેનાથી ખેડૂતોની પડતર ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.પાકના નુકસાનની સાથે સાથે વરસાદને કારણે પશુધનને ખવડાવવા માટેના ઘાસચારાને પણ ઘણું નુકસાન થયું છે. પાક અને ઘાસચારા એમ બેવડું નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે.કિસાન સંઘે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપી અને પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે મામલતદારને રજૂઆત કરી હતી. કિસાન સંઘે જણાવ્યું હતું કે જો વહેલી તકે સહાય નહીં મળે, તો ખેડૂતોની હાલત વધુ દયનીય બનશે.ખેડૂતોએ સરકાર પાસે આ સંકટના સમયમાં તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરી તેમને રાહત આપવાની અપીલ કરી છે.
 
				





