MEHSANAVIJAPUR

વિજાપુર નજીક ભાવસોરની સીમમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું

વિજાપુર નજીક ભાવસોરની સીમમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું
એસઓજીનો દરોડો : ૬.૯૯૦ કિલો લીલો ગાંજો જપ્ત, રૂ. ૩.૪૯ લાખનો મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા એસઓજી ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વિજાપુર તાલુકાના ભાવસોર ગામની સીમમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ ઝડપાતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ તથા તપાસમાં હતો. તે દરમિયાન એએસઆઈ ડાહ્યાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વિજાપુરથી વલાસણા જતા માર્ગ પર આવેલ ‘નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ’ની ઓરડીમાં રહેતો રાજુજી ડાહ્યાજી ઠાકોર કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરી રહ્યો છે.
આ બાતમીના આધારે એસઓજીની ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન સ્થળ પરથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના ૨ નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ ગાંજાનું કુલ વજન ૬.૯૯૦ કિલોગ્રામ હોવાનું જણાયું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૪૯,૫૦૦ ગણવામાં આવી છે.
પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ૪૬ વર્ષીય આરોપી રાજુજી ડાહ્યાજી ઠાકોર (રહે. ભાવસોરની સીમ, મૂળ રહે. પરબતપુરા, તા. માણસા) ની ધરપકડ કરી છે. આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) તથા ૨૦(એ)(૧) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં એસઓજીના પીએસઆઈ બી.ડી. વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!