
વિજાપુરમાં ગંજીપાના પૈસાથી તીનપત્તી જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
પોલીસે રેઈડ દરમિયાન રૂ. 4,110નો મુદ્દામાલ કબ્જે કર્યો
વાત્સલ્યન સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર વિસ્તારમાં જુગાર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરતા વિજાપુર પોલીસે જુના પોલીસ સ્ટેશન સામે ટાવર પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના પૈસાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનીક પોલીસ સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જુના પોલીસ સ્ટેશન સામે ટાવર પાસે કેટલાક ઇસમો પૈસા તથા ગંજીપાના વડે જુગાર રમે છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા બે પંચોને સાથે રાખી સ્થળ પર રેઈડ હાથ ધરવામાં આવી હતી.
રેઈડ દરમિયાન ગોળ કુંડાળું વળી જુગાર રમતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં પ્રથમ ઇસમનું નામ હેતુસિંહ વજેસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું, જેના પાસેથી રોકડ રૂ. 700 કબ્જે લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા ઇસમનું નામ મોતીભાઈ મંગાભાઈ વાઘરી હોવાનું બહાર આવ્યું હતું, જેના પાસેથી રોકડ રૂ. 2,100 જપ્ત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, જુગારના સ્થળ પરથી દાવ ઉપર પડેલી રોકડ રૂ. 1,310 તથા ગંજીપાના નંગ-52 મળી કુલ રૂ. 4,110નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ અંગે વિગતવાર પંચનામું તૈયાર કરી તપાસ અર્થે જપ્ત કરાયો હતો.
પોલીસે બંને આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




