
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર
જી.ડી. હાઇસ્કુલ વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિસનગર નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આરોગ્યમંત્રીના વરદ હસ્તે વિસનગર નગરપાલિકા વિસ્તારના રૂપિયા ૧૪૧.૮૭ કરોડના વિવિધ ૧૪ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વિસનગર શહેરીજનો માટે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેથી વિસનગરની જનતાને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે.
રાજ્યમાં છેલ્લા 23 વર્ષમાં થયેલા વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દરેક ઘર સુધી નળ દ્વારા જળ પહોંચે એટલે વિકાસ. આજે નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના દરેક પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમજ જ્યોતિગ્રામ જેવી યોજનાના માધ્યમથી ૨૪ કલાક વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નાગરિકોને બીમારીના સમયે કોઈ દેવું ન કરવું પડે અને તેની બચત ખર્ચાઈ ન જાય તેની ચિંતા કરીને સરકારે આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજના અમલી બનાવી છે જેનો અનેક નાગરિકો લાભ લઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો યોજીને રોકાણકારો વધુ રોકાણ કરે તેવી સવલતો સરકાર દ્વારા આપવામાં આવી છે. જેના પરિણામે આજે અનેક મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરીને ગુજરાતના યુવાઓને રોજગારી પૂરી પાડી રહી છે અને પ્રધાનમંત્રીશ્રીના ૨૦૪૭ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે.
રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જેને ૨૩ વર્ષ પૂર્ણ થયા આ ૨૩ વર્ષના સમયગાળા દરમિયાન અનેક આયામો અને પ્રકલ્પોની ભેટ રાજ્યને મળી છે. ૨૪ કલાક વીજળી આપવાની જ્યોતિ ગ્રામ યોજના અને ૧૦૮ જેવી સુવિધાઓ આપીને રાજ્યના નાગરિકોની સુવિધામાં વધારો કર્યો છે. આજે સમાજના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોંચી રહ્યા છે.
લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ માં ગુજરાતની ધુરા સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને મળી છે. સુજલામ સુફલામ, કિસાન સન્માન નિધિ, ગરીબ કલ્યાણ મેળા જેવા અનેક કાર્યક્રમો, યોજનાઓ થકી સરકારની સુવિધાઓના લાભો અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યા છે.
આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, APMC ચેરમેન પ્રિતેશભાઈ, અગ્રણી મનીષભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ચીફ ઓફિસર, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.






