Rajkot: ગઢકા ગામે “મનરેગા” સાઈટની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરી, છાશ વિતરણ કરાયું ૩૫૦ થી વધુ કામ મારફતે રોજગારી મેળવી રહેલા ૩૪૯૬ શ્રમિકો
Rajkot: “મનરેગા’ યોજના અનેક શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની છે. ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે, તે માટે સરકારશ્રી દ્વારા “મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા” અંતર્ગત રાજકોટ જિલ્લામાં તળાવ, ચોકડી વગેરેના કામો હાલ ચાલુ છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા જિલ્લામાં થતાં કામની સમયાંતરે સ્થળ મુલાકાત લઈ શ્રમિકો માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ તાલુકાના ગઢકા ગામે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ “મનરેગા” યોજના અંતર્ગત ખોડિયાર ડેમ પાસે આવેલ તળાવ કામની સાઈટની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે ચકાસણી કરી શ્રમિકોને છાશનું વિતરણ કર્યું હતું તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના નિયામકશ્રી એ.કે.વસ્તાણીની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લામાં “મનરેગા” યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક મળી કુલ ૩૫૦ કામ ચાલી રહ્યા છે તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ પ્રગતિ હેઠળ છે ,જેમાં કુલ ૩૪૯૬ શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમની માટે આરોગ્ય તપાસણી કેમ્પ, છાંયા માટે મંડપ, ઠંડું પાણી, ઓ.આર.એસ તેમજ છાશ વિગેરે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.






