
વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ભક્તિભાવ પૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
દેવોના દેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ભક્તિભાવ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ પાવન અવસરે વિશેષ પૂજા-અર્ચના, જળાભિષેક અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
હિન્દુ ધર્મમાં ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે. આ માન્યતાને અનુસરી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તથા તેમના પરિવાર દ્વારા મહાદેવને બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા તિરુપતિ ઋષિવન પરિસરમાં બીલીના નવા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.
ધર્મ અને પ્રકૃતિના અનોખા સમન્વયરૂપ આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયક બની રહ્યો હતો. ભક્તોએ મહાદેવની આરાધના કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





