
ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરી સામે એલ.સી.બી. અને વસાઈ પોલીસની મોટી કાર્યવાહી
ગવાડા અને કુકરવાડામાં રેડ, કુલ ₹52,100 ની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામાના અમલ માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી હેઠળ મહેસાણા એલ.સી.બી. તથા વસાઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ–અલગ સ્થળોએ રેડ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
જીલ્લા એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અ હે કો મહેન્દ્ર કુમાર બક્કલ નંબર 551 ને ગવાડા (પામોલ) ગામ ખાતે આવી પહોંચતા ચોક્કસ બાતમી મળી હતી કે ઠાકોર પરેશજી રજુજી (રહે. ગવાડા, તા. વિજાપુર) પોતાના ઘરમાં ચાઇનીઝ દોરીનો જથ્થો રાખી વેપાર કરે છે. બાતમીના આધારે પંચો સાથે રેડ કરતાં ઘરમાંથી MONOFIL GOLD – For Industrial Use Only લખેલી ચાઇનીઝ દોરીના કુલ 85 રીલ, કિંમત રૂ. 42,500 જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી જાહેરનામાનો ભંગ કરતા ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
બીજા કેસમાં વસાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.જે. દેસાઈને કુકરવાડા ગામ ખાતેપેટ્રોલિંગ દરમ્યાન બાતમી ના આધારે રેડ કરીને પ્રજાપતિ મનોજ હરગોવનભાઇ પરસોત્તમભાઇ (રહે. જુનો માર્કેટયાર્ડ, કુકરવાડા) પાસેથી SKY KING JUMBO KITE THREAD / MONOKING GOLD લખેલી ચાઇનીઝ દોરીની 48 ફિરકીઓ (રીલ) મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 9,600 થાય છે. આરોપી પોતાના મકાનમાં દોરી રાખી વેપાર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ–1951ની કલમ 131 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે ઉતરાયણ દરમ્યાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી રાખનાર કે વેચનાર સામે કડક કાર્યવાહી પોલીસ કડક ચેતવણી ને પગલે પતંગ દોરી નો વેપાર કરતા વેપારીઓ માં ફફડાટ ફેલાયો છે



