
વિજાપુર પિલવાઇ આયુષ્માન આરોગ્ય મંદિરનું નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ કરાયું
વિજાપુર
વિજાપુર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર પિલવાઇ ખાતે દિલ્હીની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) અંતર્ગત મહત્વપૂર્ણ એસેસમેન્ટ હાથ ધરાયું. દિલ્હી થી આવેલા NHSRCની ટીમે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ, માળખું અને વ્યવસ્થાપનનું સઘન મૂલ્યાંકન કર્યું હતું.
આ એસેસમેન્ટ જિલ્લા કલેક્ટર સતિષભાઈ પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જેસ્મીનના માર્ગદર્શન હેઠળ યોજાયું હતુ.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ સોલંકી, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, પિલવાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. વિજય પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. તૃપ્તિબેન પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ, આબિદભાઈ સહિત આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
દિલ્હીથી આવેલા NHSRCના ડો. લલિતકુમાર અને મિસ પલ્લવી દીપક ડોગરે દ્વારા સગર્ભા માતાઓની સંભાળ, પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સેવાઓ, નવજાત શિશુ અને એક વર્ષથી નાના બાળકોની આરોગ્ય સંભાળ, રસીકરણ, બાળ તેમજ કિશોર-કિશોરીઓને મળતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણની કામગીરી તેમજ સામાન્ય રોગચાળા દરમિયાન આપવામાં આવતી સારવારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.





