
વિજાપુર જંત્રાલ આયુષ્માન આરોગ્ય મંદિરનું દિલ્હીની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ કરાયુ
ગર્ભવતી માતા, બાળ આરોગ્યથી લઈ સ્વચ્છતા અને વિવિધ આરોગ્ય સેવાઓનું સઘન નિરીક્ષણ
વિજાપુર તા
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર (સબસેન્ટર) ખાતે દિલ્હીની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) અંતર્ગત એસેસમેન્ટ કરવામાં આવ્યું. આ પ્રક્રિયા આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓનું મૂલ્યાંકન કરવા માટે હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીમાંથી આવેલી ટીમના સભ્યો ડો. કમલ મિશ્રા અને ડો. કૈલાસચંદ્ર જાટ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સારવાર, નવજાત શિશુ અને એક વર્ષ સુધીના બાળકોની આરોગ્ય સેવાઓ તેમજ રસીકરણની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ.
તે ઉપરાંત કિશોર અને કિશોરીઓ માટેની આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમો, સામાન્ય રોગચાળાની સારવાર તેમજ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના અમલ અંગે પણ ટીમે સઘન તપાસ કરી. ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર જેવા બિનસંચારી રોગોના નિદાન અને સારવારની વ્યવસ્થા તેમજ અન્ય સામાન્ય બીમારીઓ માટે આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, કેમ્પસની સફાઈ, હર્બલ ગાર્ડન અને બાયો-મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલની વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી અને જરૂરી ચેકલિસ્ટ પૂર્ણ કર્યું હતુ.
આ નેશનલ લેવલ એસેસમેન્ટથી જંત્રાલ આયુષ્માન આરોગ્ય મંદિરની આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે





