MEHSANAVIJAPUR

વિજાપુર બીલિયા ગામમાં મનરેગા કૌભાંડની તપાસની માંગ, નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું

વિજાપુર બીલિયા ગામમાં મનરેગા કૌભાંડની તપાસની માંગ, નાયબ મામલતદારને આવેદન

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બીલિયા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હેઠળ થયેલા ગંભીર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. ગામના અગ્રણી દશરથભાઈ પટેલ, પ્રકાશગીરી, પંકજભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર અનિલભાઈ પટેલને આવેદનપત્ર સોપી સમગ્ર કૌભાંડની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, બીલિયા ગામના આશરે 11 નાગરિકોના નામે મનરેગા હેઠળ જોબ કાર્ડ હોવા છતાં તેમણે કોઈપણ પ્રકારનું કામ કર્યું નથી કે મજૂરી મેળવી નથી. છતાંય, તેમના નામે બેંક ખાતાઓ ખોલી મનરેગાની રકમ જમા કરાવી બાદમાં તાત્કાલિક ઉપાડી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
oppo_0
ખાતાઓ કોણે ખોલ્યા, કોણે સંચાલિત કર્યા અને રકમ કોણે ઉપાડી તેની જાણકારી લાભાર્થીઓને નથી, જે ગંભીર ગેરરીતિ તરફ ઈશારો કરે છે.
ખાસ કરીને વર્ષ 2023-24 દરમિયાન “બીલિયા – પટેલ પંકજ કાંજીભાઈના ખેતર તરફથી જયંતિભાઈના ખેતર તરફ રસ્તાનું માટીકામ” નામના કામમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક લાભાર્થીના નામે FINO Payment Bank Limitedમાં અજાણતાં ખાતું ખોલી દિનાંક 11/07/2024ના રોજ રૂ. 4,200/- તથા 18/07/2024ના રોજ રૂ. 3,920/- મનરેગાની ચુકવણી જમા થયા બાદ તરત જ ઉપાડી લેવામાં આવી હોવાનો ઉલ્લેખ આવેદનમાં કરાયો છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે મનરેગા હેઠળ અંદાજે 11 જેટલા ખાતેદારોના નામે ખોટા ખાતાઓ ખોલી ઉચાપત કરવામાં આવી છે. એટલું જ નહીં, એક એવા ખેડૂતના નામે પણ ખાતું ખોલી દેવાયું છે જે નિયમિત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, જેના કારણે તેમને ઇન્કમ ટેક્સ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
બીલિયા ગામના નાગરિકોએ સમગ્ર મામલે સરકારી ન્યાય કમિટી રચી ઊંડાણપૂર્વક તપાસ કરાવવા, દોષિત અધિકારીઓ તથા સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા અને પીડિતોને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી છે. જરૂર પડે તો જોબ કાર્ડ, બેંક ખાતાની વિગતો અને સ્ટેટમેન્ટ સહિતના તમામ પુરાવા રજૂ કરવા તૈયાર હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે.
આ ગંભીર કૌભાંડ સામે વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તેની તરફ હવે સમગ્ર તાલુકાની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!