
લાડોલની સીમમાં ખેતરમાં પશુઓ ચરાવી ₹૨૫,૦૦૦નું નુકસાન કરનાર ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
કપાસ અને ઘાસના પાકમાં ભેરાણ કરી ૨૦ મણ પાકનું નુકસાન કર્યાનો આક્ષેપ; લાડોલ પોલીસે તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ખેતરમાં પશુઓ ચરાવી ખેડૂતના તૈયાર પાકને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કપાસ અને ઘાસના વાવેતરમાં પશુઓ છોડી આશરે ૨૫ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, લાડોલના નવા હરસિદ્ધિ પુરામાં રહેતા ખેડૂત દિલીપભાઈ સોમાભાઈ પટેલ ગત તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ બપોરે બારેક વાગ્યાના સુમારે તેમની પત્ની સુમિત્રાબેન સાથે સીમમાં આવેલ ખાતા નંબર ૨૧૦૪ વાળા ખેતરમાં ગયા હતા. જ્યાં તેમણે જોયું કે ગામના જ ચાર શખ્સો પોતાની ભેંસો, ગાયો અને ઘેટાં-બકરાં ખેતરમાં ચરાવી રહ્યા હતા. ખેડૂત દંપતીએ પશુઓ બહાર કાઢવાનું કહેતા પશુપાલકો તેમની સાથે ઉદ્ધત વર્તન કરી પશુઓને દોડાવી ત્યાંથી નીકળી ગયા હતા.ખેડૂતના જણાવ્યા અનુસાર, ખેતરમાં બે વીઘામાં કપાસનું વાવેતર હતું, જેમાં છેલ્લા વારાનું રૂ (કપાસ) વીણવાનું બાકી હતું. આ ઉપરાંત એક વીઘામાં પશુઓ માટે ઘાસ વાવેલું હતું. આરોપીઓના પશુઓ ખેતરમાં ફરી વળતા અને પાક ખાઈ જવાથી તેમજ ખૂંદી નાખવાથી આશરે ૨૦ મણ જેટલા કપાસ અને ઘાસનું નુકસાન થયું છે. આ નુકસાનની અંદાજિત કિંમત ૨૫,૦૦૦ રૂપિયા જણાવવામાં આવી છે.આ મામલે દિલીપભાઈ પટેલે લાડોલ ગામના ચાર શખ્સો (૧) ગોવાભાઇ સાંકાભાઇ ભરવાડ, (૨) મેરાભાઈ લક્ષ્મણભાઇ ભરવાડ, (૩) રામાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ અને (૪) વિષ્ણુભાઇ સામતભાઇ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિજાપુર પોલીસે આ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




