
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ટકાઉ ખેતી , ઉન્નત કૃષિ અંતર્ગત મૂલ્ય વર્ધન , પ્રાકૃતિક કૃષિ અને મીલેટ પાકોનું મહત્વ ખેડૂતો સુધી પહોંચાડવા રાજ્યના દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું ત્યારે વડનગર ખાતે સાતસો સમાજની વાડીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.
ખેડૂતોને સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૫ માં કૃષિના સંશોધનો ખેડૂતના ખેતર સુધી પહોંચે અને ખેડૂત વૈજ્ઞાનિક ટેકનોલોજી અપનાવી આર્થિક સક્ષમ બને તે માટે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી તેના સારા પરિણામો આજે ખેડૂતો ભોગવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનું વ્યાપક પ્રમાણમાં અભિયાન ચલાવી ભાવિ પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપવાનો અભિગમ અપનાવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉપર અત્યારે ભાર મૂકવામાં આવી રહયો છે . આ તકે પ્રમુખ એ જમીનનું જતન કરવા અને આરોગ્યનું જતન કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
કૃષિ મહોત્સવમાં વિવિધ પ્રકારના નિદર્શન સ્ટોલ રાખવામાં આવેલ હતા જેમાં સૂક્ષ્મપિયત પદ્ધતિ જળસંચય બાગાયતી ખેતી પશુપાલન આરોગ્ય અને ફાર્મર રજીસ્ટ્રી વગેરે સ્ટોલ નો સમાવેશ થતો હતો..
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.પી.જે.પટેલે હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન કર્યું હતું. જિલ્લા અગ્રણી મહેશભાઈ પટેલે પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તેમજ ખેતરમાંથી નિંદામણ દૂર કરી અને વધુ ઉપજ લેવા સમજ આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ મહાનુભાવોએ કૃષિ મહોત્સવ સ્થળે પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી હતી. બપોર બાદ કરબટિયા મુકામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ની મુલાકાત કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન તેમજ અન્ય પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




