જે વિસ્તારોમાંથી ભાજપને મત નહીં મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવા વિચારવું જોઈએ : ભાજપ પ્રમુખ
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના વિવાદિત નિવેદનથી વિવાદ છંછેડાયો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘જે વિસ્તારોમાંથી ભાજપને મત નહીં મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવા વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને મત આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ.’ આ મામલે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘હું શહેર પ્રમુખ ડો. વિજય શાહના નિવેદનથી બિલકુલ સહમત નથી.’
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ‘શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહનો આદેશ એટલે માની જ લેવો એવું તો છે જ નહીં. ડો. વિજય ભાઈ અમારા પ્રમુખ છે અને એમની વિચારધારા આવી હશે, એટલે એમને આવું નિવેદન આપ્યું છે. મતદારો સાથેના દ્વેષ ભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. હું છેલ્લા આઠ વર્ષથી ધારાસભ્ય છું. મારી વિધાનસભામાંથી વધુ મત મળ્યા છે. પણ તેમ છતાંય હું શહેર પ્રમુખ વિજય શાહના નિવેદનથી બિલકુલ સહમત નથી. અમે ધારાસભ્ય બનીએ અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાતી-જાતિનો ભેદ રાખતા નથી. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સરખો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને વિવાદિત નિવેદન આપ્યું હતું.