
વિજાપુર ની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ વિદાય તથા તેજસ્વી તારલા સન્માન સમારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી રોડ ઉપર આવેલ શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે બી.એ. સેમેસ્ટર–6 તથા એમ.એ. સેમેસ્ટર–4ની વિદ્યાર્થીની બહેનો માટે વિદાય સમારંભ અને શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઓ જે.પી. પટેલ, બી.કે. પટેલ, રાજુભાઈ એસ. પટેલ, અશોકભાઈ જે. પટેલ તેમજ ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડો. સુરેશભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરી શૈક્ષણિક વર્ષ 2025–26 દરમિયાન કોલેજ દ્વારા આયોજિત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીનીઓને જીવનમાં સતત પરિશ્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, વાંચનની આવડત વિકસાવવાની તથા સોશિયલ મીડિયાથી દૂર રહી લક્ષ્યકેન્દ્રિત જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડો. પ્રકાશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીની બહેનોને ગ્રેજ્યુએશન બાદના માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું અને જીવનની મુશ્કેલીઓમાં યોગ્ય દિશા અપનાવવાની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. જીજ્ઞા કે. વોહરાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ડો. જાગૃતિબેન એમ. પટેલે કરી હતી.




