
વિજાપુરમાં નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો 32મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ભાવસોર વના ભાઈ હરિભાઈ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 32મો સમૂહ લગ્ન અને સમાજનો સ્નેહ મિલન સમારોહ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં સમાજની એકતા, સંસ્કાર અને સેવાભાવી ભાવનાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય સી.જે. ચાવડા, મહેશ્વર મહાદેવ મંદિરના પ્રતિનિધી, તેમજ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર મહંત સોમાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓ શાંતિભાઈ પટેલ, અલ્કેશભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ત્રણ સહજોડા નવદંપતિઓને આશીર્વાદ વરસાવ્યા હતાં.
ગામના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમાજજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. પરંપરાગત રીતરિવાજ સાથે કન્યા વિદાય સહિતનાં કાર્યક્રમો સૌભાગ્યપૂર્ણ વાતાવરણમાં યોજાયા હતા.
નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો આ સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતા અને સૌહાર્દની અનોખી મિસાલ સાબિત થયો હતો.





