
વિજાપુર કે.પી. પટેલ સેકન્ડરી અને એસ.યુ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાખાતે જિલ્લા કક્ષાનું 61મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જીસીઈઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લા કક્ષાનું 61મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 ધામધૂમપૂર્વક યોજાયું. કાર્યક્રમનું આયોજન કે.પી. પટેલ સેકન્ડરી અને એસ.યુ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજાપુર દ્વારા કરવામાં આવ્યું હતુ. પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીના હસ્તે થયું. કાર્યક્રમમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી તથા કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા. જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. પટેલે વિદ્યાર્થીઓના નવતર પ્રયોગોને સરાહતાં જણાવ્યું કે આવા પ્રદર્શનોથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે સર્જનાત્મકતા અને સંશોધન ભાવના વિકસે છે. જિલ્લાભરની શાળાઓએ ૩૦થી વધુ નવતર કૃતિઓ રજૂ કરી હતી.ટકાઉ ખેતી વિભાગમાં રોબોટિક ટ્રેકટર, સ્માર્ટ ફાર્મિંગ, સોલાર ડ્રિપ ઇરિગેશન, ઓટોમેટિક ગ્રીનહાઉસ, નેચરલ ફાર્મિંગ મોડલ, પેસ્ટિસાઇડ સ્પ્રે પંપ, આર્ગેનિક હાઈડ્રોપોનિક મોડલ જેવી કૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી .કચરા વ્યવસ્થાપન વિભાગમાં ઓટોમેટિક કચરાપેટી, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક વેસ્ટથી બ્લોક નિર્માણ, ધુમાડો નાશક મોડલ, બોટલ ફાર્મિંગ, વેસ્ટ-ટુ-એનર્જી મોડલ જેવા અનેક પ્રયોગોએ પ્રદર્શનને નવી ઊંચાઈઓ અપાવી હતી..જિલ્લાની CRC, BRC અને SVS કક્ષાએથી પસંદ થઈને આવેલા બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું.પોતાની કૃતિઓ રજૂ કરવામાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો જ્યારે માર્ગદર્શક શિક્ષકોએ બાળકોને ટેક્નોલોજી, પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતને પ્રાયોગિક રૂપે વ્યક્ત કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું.પ્રદર્શનને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વિભિન્ન શાળાઓના સંચાલકો, શિક્ષકો, માતા-પિતાઓ અને શિક્ષણપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી.કે.પી. પટેલ સેકન્ડરી અને એસ.યુ. પટેલ શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરતાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.



