MEHSANAVIJAPUR

વિજાપુર હુસેની ચોક વિસ્તારમાં ઝાડ પડવાની કરૂણ ઘટના : 15 વર્ષીય બાળકનું મોત

વિજાપુર હુસેની ચોક વિસ્તારમાં ઝાડ પડવાની કરૂણ ઘટના : 15 વર્ષીય બાળકનું મોત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના હુસેની ચોક વિસ્તારમાં સાંજના સમયે કરૂણ અકસ્માત સર્જાયો હતો. એકાએક પીપળાનું જૂનું ઝાડ ધરાશાયી થતાં ઝાડ નીચે દટાઈ જવાથી 15 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. ઝાડ બાળકના માથા ઉપર પડતાં મગજ પર ગંભીર અસર થવાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક બાળકનું નામ આશિયાના સોસાયટીમાં રહેતો મુહમ્મદ યાશીન અસપાકભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ બાળક આશિયાના સોસાયટીમાં રહેતા અસપાક ભાઈ નો 15 વર્ષીય દીકરો મુહમ્મદ યાશીન રમતા રમતા હુસેની ચોક વિસ્તારમાં આવ્યો હતો, તે દરમિયાન ઘણા વર્ષો જૂનું અને અંદરથી પોલું થઈ ગયેલું પીપળાનું ઝાડ અચાનક તૂટી પડ્યું હતું.ઘટનાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઝાડ નીચે દટાયેલા બાળકને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે પ્રયત્નો બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
એકનો એક બાળક ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાના પગલે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને ભારે દોડધામ મચી જવા પામી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર મોમનવાડા વિસ્તાર તરફ ત્રણ જેટલા પીપળાના ઝાડ આવેલા છે, જે ઘણા વર્ષો જૂના અને સુકાઈ ગયેલા હોવાથી કોઈ પણ સમયે પડી જવાની ભીતિ છે
આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સુકાઈ ગયેલા અને જોખમી ઝાડો તાત્કાલિક દૂર કરવા નગરજનો દ્વારા માંગ ઉઠી છે. બાળકના મોતના બનાવે સમગ્ર આશિયાના સહિત અકસ્માત વાળી હુસેની ચોક અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!