AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ‘તેજતૃષા મહોત્સવ 2025’ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ‘તેજતૃષા મહોત્સવ 2025’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસકેન્દ્રોમાં અભ્યાસ કરતા 889 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મહોત્સવમાં જ્ઞાન ધારા, રંગ કલા કૌશલ્ય, સર્જનાત્મક અભિવ્યક્તિ, ગીત સંગીત ધારા, નાટ્યધારા અને નૃત્ય ધારા જેવી 41 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના જાણીતા વક્તા જય વસાવડાએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ અને તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને સફળતાના શિખરો સર કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિની એક આંખમાં તેજ અને બીજી આંખમાં ભેજ હોવો જોઈએ, જેની પ્રેરણાત્મક વ્યાખ્યા સાથે ઉદાહરણો આપીને યુવાનોને પ્રેરણા આપી.

મહોત્સવ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયએ યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવી અને તેમાં ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ‘તેજતૃષા મહોત્સવ’ની શરૂઆત 2019માં કરવામાં આવી હતી, અને યુનિવર્સિટી જે રીતે દરેક ઉંમરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો મોકો આપે છે, તે જ રીતે આ મહોત્સવમાં પણ કોઈ પણ ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ શકે છે. આ મહોત્સવનું નામ ‘તેજતૃષા’ એટલે કે અંદરના તેજને બહાર લાવવાની તરસને ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે.

વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા વિજેતાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા. આ તકે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. એ.કે. જાડેજા, પ્રો. ડૉ. પ્રિયાંકી વ્યાસ, ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. સંજય પટેલ, ડૉ. નિશા જોષી અને ડૉ. કૃતિ છાયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. દિગીશ વ્યાસે કર્યું.

Back to top button
error: Content is protected !!