અંબાજી તીર્થધામ ખાતે આજથી ત્રિદિવસીય ગાઈડ તાલીમનો થયો પ્રારંભ

19 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
યાત્રિકલક્ષી સુવિધાઓના વિકાસ માટે અંબાજી ખાતે સુશિક્ષિત ગાઈડ તૈયાર કારાશે આગામી સમયમાં શ્રી અંબાજી તીર્થનો સર્વાંગી વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અહી વધુને વધુ યાત્રિકલક્ષી સુવિધાઓનો વિકાસ થાય એ માટે સતત સક્રિય છે. વિવિધ સ્તરે થઈ રહેલ વિકાસનો લાભ સ્થાનિક લોકોને થાય એ અતિ આવશ્યક છે. જે હેતુસર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગર સાથે મળીને અંબાજી ખાતે તીર્થ દર્શન સરકીટ રૂટ ડીઝાઈન કરવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે આગામી સમયમાં શ્રી અંબાજી ધામ અને જોવાલાયક સ્થળો તેમજ યાત્રિક સુવિધાઓની આધારભૂત માહિતી મળી શકે એ માટે સુશિક્ષિત ગાઈડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજથી શ્રી અંબિકા સંસ્કૃત મહા વિદ્યાલય ખાતે ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ગાઈડ તાલીમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન સત્રમાં શ્રી અંબાજી ટ્રસ્ટના પદાધિકારીશ્રીઓ સહીત સ્થાનિક વિસ્તારના કુલ ૫૦થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના વહિવટદારશ્રી કૌશિક મોદી, અતુલ્ય વારસાના સંસ્થાપકશ્રી કપિલ ઠાકર, પ્રવાસન નિષ્ણાંતશ્રી ગૌતમ પોપટ, લેખક-સંશોધકશ્રી વર્ષાબેન ભટ્ટ દ્વારા પ્રારંભિક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.










