વિજાપુર: કોંગ્રેસ દ્વારા “વોટ ચોર ગાદી છોડો” ના નારા સાથે સહી ઝુંબેશ, ભાજપ અને ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો સાથે એક આક્રમક સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. “વોટ ચોર ગાદી છોડો” ના પ્રચંડ સૂત્રોચ્ચાર સાથે, કોંગ્રેસના કાર્યકરો તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો બીલીયા ગુછળી તાતોસણ ઉબખલ કુકરવાડા સહિત ગામો માં ફરીને જનસમર્થન એકત્રિત કરી રહ્યા છે.આ ઝુંબેશ હેઠળ, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગામેગામ ફરીને કેન્દ્રની ભાજપ સરકાર પર ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાનો અને લોકશાહીનું હનન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે ચૂંટણી પંચ પણ નિષ્પક્ષ રીતે કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે અને સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે, લોકો પાસેથી સહીઓ એકઠી કરવામાં આવી રહી છે, જે બાદમાં ચૂંટણી પંચને મોકલીને રજૂઆત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એલ.એસ. રાઠોડ, અમિતજી ઠાકોર, અશોકસિંહ વિહોલ અને ડી.ડી. રાઠોડ ભલા ભાઈ પટેલ તોફીક ભાઈ શેખ સહિતના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ આ સહી ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યા છે.કોંગ્રેસના સૂત્રો એ જણાવ્યું હતુ કે, “ભાજપ સરકાર જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને સત્તા પર ટકી રહેવા માટે અયોગ્ય માર્ગો અપનાવી રહી છે. અમારો આ સંઘર્ષ લોકશાહીને બચાવવા માટેનો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું.”આ સહી ઝુંબેશને કારણે તાલુકાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે