આણંદ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

આણંદ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
તાહિર મેમણ -06/08/2024-આણંદ – કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદ તથા જિલ્લા રોજગાર કચેરી,આણંદના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા જિલ્લામાં અમલી મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા જિલ્લાની મહિલાઓને અનુરોધ કર્યો હતો. તેમણે મહિલાઓ આત્મનિર્ભર બની સમાજનું આગવુ પ્રતિનિધિત્વ કરે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં મહિલાઓને આત્મનિર્ભર બની સ્વરોજગાર મેળવવા અંગેની, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મહિલાલક્ષી યોજનાઓ અંગે, બેન્કમાં મહિલાલક્ષી વિવિધ લાભો, મહિલા આઈ.ટી.આઈ. ક્ષેત્રે મહિલાલક્ષી તાલીમના વિષયો અંગે અને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ આઠ નોકરીદાતા કંપનીઓ દ્વારા નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યુ અંગે ધ્યાનમાં રાખવાની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ નિમિત્તે કાર્યક્રમના સ્થળે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી, લીડ બેંક ઓફ બરોડા, આર.એસ.ઈ.ટી.આણંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ ૧૫ જેટલાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતાં.
કાર્યક્ર્મ અંતર્ગત વડાપ્રધાનશ્રીની નવીન પહેલ “એક પેડ મા કે નામ” હેઠળ જિલ્લા વન સંરક્ષક અધિકારીની કચેરી, આણંદના સંકલનથી મહિલાઓને કુલ ૧૦૦૦ જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા લીડ બેન્ક મેનેજરશ્રી, આર.સી.એ.ટી,આણંદના ડાયરેકટરશ્રી, જિલ્લા રોજગાર કચેરીના કરીયર કાઉન્સેલરશ્રી ચેતન મહેતા,જિલ્લા ઉદ્યોગ કચેરીના સીનીયર ક્લાર્કશ્રી સંજયભાઈ ગોહિલ, મહિલા આઈ.ટી.આઈ.સદાનાપુરાના મિત્તલબેન પ્રજાપતિ સહિત સબંધીત કચેરીના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
 
				






