
વિજાપુર પોલીસે ગવાડા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, રૂ. ૫.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગવાડા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને સફળતા મળી છે. પોલીસે રૂ. ૫.૨૦ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક દીનેશસિંહ ચૌહાણ (વિસનગર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ સ્થાનીક પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઇ. એ.આર. બારીઆ તથા સ્ટાફની ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં વિજાપુર પો.સ્ટે. ગુના નંબર ૧૧૨૦૬૦૭૪૨૫૦૭૨૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૧), ૩૩૧(૩), ૬૧(૨)(૬) તથા ૫૪ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેમણે ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૫,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં ઠાકોર રણજીતજી ઉર્ફે કીશન માનસંગજી સરદારજી, રહે. ગવાડા, ટેબાવાસ આંટામાં, તા. વિજાપુર, જી. મહેસાણા તેમજ ઠાકોર ઉત્સવ ઉર્ફે ફતો મનુજી હરચંદજી, રહે. ગવાડા, ટેબાવાસ આંટામાં, તા. વિજાપુર, જી. મહેસાણાનો સમાવેશ થાય છે.
પોલીસની ઝડપી કાર્યવાહીથી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા વિસ્તારમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.





