
વિજાપુર ખણુસા ગામમાં પ્લોટ–મકાન મુદ્દે બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ
બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાઈ, અનેકને ગંભીર ઇજાઓ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા ગામે પ્લોટ અને મકાનના વિવાદને લઈને બે વાઘરી સમાજના પરિવારો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનાને પગલે બંને પક્ષોએ એકબીજા સામે ગંભીર મારામારીની ફરીયાદ નોંધાવતા સમગ્ર મામલો તંગદિલીભર્યો બની ગયો છે.
ફરિયાદી મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજકે નોંધાવેલી ફરીયાદ મુજબ, આરોપી જીતેન્દ્રભાઈ કસ્તુરભાઈ દેવીપૂજક, અનિલભાઈ કસ્તુરભાઈ દેવીપૂજક, ઘનશ્યામભાઈ જીતેન્દ્રભાઈ દેવીપૂજક તથા કસ્તુરભાઈ હીરાભાઈ દેવીપૂજક એ જૂના ઉછીના રૂપિયા તથા પ્લોટ પર મકાન બાંધકામ બાબતે ઝઘડો ઊભો કરી, ધારિયું, લોખંડની પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેન્દ્રભાઈના જમણા હાથનો અંગૂઠો કપાઈ ગયો હોવાનું તેમજ તેમના ભાઈ બળદેવભાઈ, વિનુભાઈ, મનુભાઈ અને સુનિલભાઈને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચ્યાનું ફરીયાદમાં જણાવાયું છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે વિજાપુર પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આરોપ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે.




