
વિજાપુર : પિલવાઇ આઇટીઆઈ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઇ સ્થિત એન.આર. રાવલ આઇટીઆઈ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
વકૃત્વ સ્પર્ધામાં કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુના વ્યસનથી થતા નુકસાન, આરોગ્ય પર પડતી અસરો તેમજ વ્યસન છોડી દેવાથી થતા લાભો અંગે પ્રભાવશાળી રજૂઆતો કરી હતી. “તમાકુ એટલે તમને મારી નાખતી કુટેવ” જેવા સંદેશ સાથે વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત જીવનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન તાલુકા સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા તમાકુ અધિનિયમ–૨૦૦૩ (COTPA) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આઇટીઆઈ પિલવાઇના પ્રિન્સિપાલ હેતલબેન તથા શિક્ષકગણ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.
વકૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને શીલ્ડ આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આયુષ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ ડો. તૃપ્તિબેન પટેલ, સુપરવાઇઝર અલ્પેશ પટેલ, ભારતીબેન રાવલ, દીપકભાઈ, અંજલભાઈ અને હર્ષ મોદી હાજર રહ્યા હતા.




