
વિજાપુર આઈ.ટી.આઈ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર પાટીયા પાસે આવેલ આઇ ટી આઈ ખાતે દિશા યુનિટ મહેસાણા, સરકારી હોસ્પિટલ વિજાપુર તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમ દરમિયાન તાલુકાના આઈસીટીસી કાઉન્સેલર રાજુભાઈ પટેલે જણાવ્યું કે એઇડ્સ રોગ અસુરક્ષિત યોન સંબંધ, અસુરક્ષિત લોહી ચઢાવવાથી, અસુરક્ષિત નીડલ-સીરીંજના ઉપયોગથી તેમજ એચઆઈવી ગ્રસ્ત માતાથી બાળકમાં ફેલાઈ શકે છે. તેમણે એ પણ સમજાવ્યું કે સાથે બેસવાથી, જમવાથી, એકબીજાની વસ્તુઓ ઉપયોગથી, સ્પર્શ કે ચુંબનથી એઇડ્સ ફેલાતો નથી. રોગથી બચવા સુરક્ષિત યોન સંબંધ, સુરક્ષિત લોહી અને નવી નીડલ-સીરીંજનો ઉપયોગ અનિવાર્ય છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિએ એચઆઈવી વાયરસના કારણે પ્રતિકારશક્તિ ઘટાડાની વિગતવાર સમજ આપી. તેમણે જણાવ્યું કે એઇડ્સનું નિદાન અને સારવાર સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. પ્રકાશભાઈ નાયીએ ટિબી રોગના નિદાન અને સારવાર અંગે માહિતી આપી. આ પ્રસંગે આઈ.ટી.આઈ.ના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણની વિશેષ હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




