GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ અને નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

તા.૪/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે” – ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

રૂ.૨૯૨૬ લાખના ખર્ચે ૧૦૮ પોલીસ આવાસોનું નિર્માણ કરાયું

Rajkot: ગુજરાત રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે રૂ. ૨૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો કર્યા હતાં.

મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે. આધુનિક યુગમાં ડીજીટલ ફ્રોડની વધતી ચેલેન્જને પહોંચી વળવા રાજ્યની સાયબર ટીમ સતત પ્રયાસો કરી રહી છે. સાયબર ક્રાઈમને રોકવા જાગરૂકતા સંબંધી કાર્યક્રમોનો વધુ અને સચોટપણે ઉપયોગ કરવા પર તેમણે આ તકે ભાર મૂક્યો હતો. ફાઇનાન્સિયલ અને સોશિયલ લોસની રિકવરી કરીને ડીજીટલ હેરેસમેન્ટના કેસોના નિરાકરણની કામગીરીમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્ય સરકાર સામેના ફાઇનાન્સિયલ ક્રાઈમ અને સોશિયલ ક્રાઇમના‌ પડકારને અંકુશમાં લાવવા આધુનિક ટેકનોલોજીસભર સાયબર લેબ સમયની જરૂરિયાત છે. રાજકોટ પોલીસ દ્વારા ચારથી પાંચ સોફ્ટવેર પણ ડિજિટલ ક્રાઇમ અટકાવવા માટે બનાવાયા છે, જેનાથી ગુનાખોરી નિવારવામાં મદદરૂપ સાબિત થશે.

આ વેળાએ મંત્રીશ્રી હર્ષ સંઘવીનું સ્મૃતિચિન્હ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ દાતાઓ સાથે ચર્ચા કરીને સાયબર લેબ માટે ઉદાર હાથે દાન આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ક્રાઇમ ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે, રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, નાયબ પોલીસ કમિશ્નરશ્રી જગદીશ બાંગરવા અને શ્રી સજ્જનસિંહ પરમાર અને ટ્રાફિક ડી.સી.પી.શ્રી પૂજા યાદવ, પી.આઇ.શ્રી એમ.એ.ઝણકાટ, શ્રી મૂકેશભાઈ દોશી, શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!