
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : મેશ્વો નદી કિનારે સગીર પર નિર્મમ અત્યાચાર, 18 દિવસ બાદ સારવાર દરમિયાન મોત – હવસખોર આરોપીને ફાંસી સજાની માંગ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામની સીમમાં આવેલા મેશ્વો નદીના કિનારે સગીર બાળકી પર થયેલા નિર્મમ અત્યાચારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. હવસખોર આરોપીએ સગીરાને ફોસલાવી એકાંત સ્થળે લઈ જઈ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. સગીરા તાબે ન થતા આરોપીએ ગુપ્તાંગ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઘા ઝીંકી દીધા હતા.ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી સગીરાને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે હિંમતનગર દવાખાને ખસેડી 18 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. તબીબોની તમામ કોશિશો છતાં સગીરાએ અંતે મોત સામેની લડત હારી શ્વાસ છોડી દીધા હતા.
ઘટનાની જાણ થતા જ મોડાસા રૂરલ પોલીસ હરકતમાં આવી હતી. સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.સગીરાનું મોત નીપજતા પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે તેમજ આરોપી સામે હત્યાનો ગુનો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો અને સામાજિક સંગઠનો દ્વારા આરોપીને કડકમાં કડક સજા, ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.




