
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને ધ્યાનમાં રાખતા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા હોય જ છે. તો પણ અત્રે જણાવ્યા અનુસાર તકેદારી જાળવવા માટેનો સંદેશો બહાર પાડવામાં આવ્યો છે.જે મુજબ ખેતરમાં પરિપક્વ બની ગયેલા ફળો અને શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા. તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા તેને પ્લાસ્ટીકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને આ ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને તેમાં નીચે વરસાદનું પાણી જતું અટકાવવું જોઈએ. કોઈપણ રાસાયણિક સેન્દ્રીય ખાતરો, હોર્મોન્સ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.એ.પી.એમ.સી. માં આવતા વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી એમ સી માં બાગાયતી ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. હાલમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જોઈએ. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષિ ભવન, નીલમ બાગ, બહુમાળી ભવનની સામે, જૂનાગઢના ફોન નંબર ૦૨૮૫-૨૬૩૫૦૧૯ ઉપર સંપર્ક સાધવાનો રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




