
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં હનીટ્રેપનો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના જમીન દલાલને હોટલમાં બોલાવી ત્રણ આરોપીએ પૈસા પડાવ્યા હતા. મહિલાએ જમીન દલાલીના કામના બહાને સંપર્ક કરી અંકલેશ્વરની હોટલમાં બોલાવ્યા. ત્યાં અન્ય બે શખસ સહિત તમામ આરોપીઓએ જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માંગણી કરી. જમીન દલાલ ના પાડતાં આરોપીઓએ હુમલો કર્યો. ત્યાર બાદ અપહરણ કરી ભરૂચ નજીક લઈ ગયા. જ્યાં ચપ્પુની અણીએ ગૂગલ-પે દ્વારા રૂ.13,500 તેમજ રોકડ રકમ અને ત્રણ બેંક ચેક મળી કુલ રૂ.7.50 લાખ પડાવ્યા હતા.
રાજ્યમાં હનીટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે, અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યા હતા. ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો, સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોતમ સુતરીયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો બેથી ત્રણ માસ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી.
સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઈલની આપ-લેના બહાને પાયલ પટેલે તારીખ 6 માર્ચના રોજ મધ્યરાત્રીના સમયે પરસોતમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા. જેવા પુરુષોત્તમ સુતરીયા હોટલમાં પહોંચ્યા કે, તરત ત્યાં અગાઉના પ્લાન મુજબ, અન્ય આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા આવી પહોંચ્યા હતા.
આ તમામ આરોપીઓએ પરસોતમ સુતરીયાને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માગ કરી હતી. જો કે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતાં તેઓને તેમને માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા કર્યો હતો. જે બાદ જમીન દલાલને કારમાં બેસાડી, તેમનું અપહરણ કરી, તેમને ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં આરોપીઓએ પરસોતમ સુતરીયા પાસે ચપ્પુની અણીએ રૂપિયા 13,500 ગુગલ પે કરાવડાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના ત્રણ ચેકમાં રૂપિયા 7.50 લાખ લખાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે જમીન દલાલ પરસોતમ સુતરીયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાને પગલે પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી પાયલ પટેલ અને પાર્થ ઠાકરને ઝડપી પાડ્યા હતા. જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.




