આહવાના મધ્યમવર્ગીય યુવાને મુંબઈમાં MMA ફાઈટમાં ગોલ્ડ મેડલ જીતી સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જો મનમાં અડગ વિશ્વાસ અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય, તો આર્થિક તંગી પણ સફળતાના આડે આવતી નથી એવું કહેવાય છે ત્યારે આવું જ કંઈક કરી બતાવ્યું છે.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની મિશન કોલોનીમાં રહેતા અભિષેક ઇલેશભાઈ પટેલ મધ્યમ પરિવારમાંથી આવતા આ યુવાને મુંબઈ ખાતે યોજાયેલ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર જિલ્લા સહિત આહવા પંથકનું નામ રોશન કર્યું છે.અભિષેકને નાનપણથી જ ફિટનેસ અને MMA ફાઈટ પ્રત્યે ભારે આકર્ષણ હતું. ટીવી અને મોબાઈલમાં ફાઈટર્સને જોઈને તે હંમેશા વિચારતો કે એક દિવસ પોતે પણ રિંગમાં ઉતરશે અને વિજયી બનશે. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં, અભિષેકે હિંમત હાર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી હતી.પોતાના સપનાને સાકાર કરવા માટે અભિષેકે મુંબઈની પ્રખ્યાત MMA એકેડમીમાં ટ્રેનિંગ મેળવવા માટે અરજી કરી હતી. ટ્રેનિંગ માટેની તક મળી ત્યારે આર્થિક ભીંસ હોવા છતાં, મક્કમ મનોબળ સાથે તે મુંબઈ પહોંચ્યો હતો. ત્યાંના કઠિન પરિશ્રમ અને અથાગ મહેનતનું પરિણામ આજે તેની સામે છે.ગત તા. ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ નવી મુંબઈ ખાતે ‘Adult Amateur MMA ફાઈટ ચેમ્પિયનશિપ’ યોજાઈ હતી. જેમાં અભિષેક પટેલે ૬૧.૨ કિલો કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યુ હતુ. ફાઈટમાં જીત મેળવી ગોલ્ડ મેડલ ગળે વળગાડતા જ અભિષેકનું વર્ષોનું સપનું સાકાર થયું હતું.અભિષેકની આ ભવ્ય સફળતા બદલ જિલ્લા સહીત આહવા ગામ અને સમગ્ર સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. મુંબઈ જેવા મહાનગરમાં આહવાના યુવાને પોતાની પ્રતિભા સાબિત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા અભિષેકને ભવિષ્યમાં હજુ પણ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..



