Rajkot: પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીનો આભાર માનતી સુવાગ અને અમરેલી ગામની દૂધ ઉત્પાદક મંડળીઓ
તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
મંડળીમાં જોડાયા બાદ આવકમાં વધારો થતાં આત્મનિર્ભર બની છું : શ્રી વિલાસબેન વાડોદરીયા
સહકાર વિભાગની સ્થાપનાથી પશુપાલનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે : શ્રી સેજલબેન લુણાગરીયા
Rajkot: “સહકાર મંત્રાલયની સ્થાપનાથી સહકારી ક્ષેત્રને નવી દિશા અને પ્રોત્સાહન મળ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ પહેલથી સહકારી સંસ્થાઓ વધુ મજબૂત બની છે. સહકારની ઝુંબેશને આગળ વધારવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું.” આવા જ શબ્દો સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છે રાજકોટ જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ધ્યેય સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી ગામેગામના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યના પશુપાલકો સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આત્મનિર્ભર થઈને અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.
રાજકોટ જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ અને જી.એસ.ટી.માં કરાયેલા ઘટાડા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી રહી છે. જેના ભાગરૂપે પડધરી તાલુકાના સુવાગ અને અમરેલી ગામની દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.
સુવાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભ્ય શ્રી વિલાસબેન વાડોદરીયાએ જણાવ્યું હતું કે, સુવાગ મંડળી છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે, જેમાં હું ૨૦ વર્ષથી જોડાયેલી છે. મંડળીમાં નિયમિત દૂધ ભરવા આવું છું. મંડળીમાં જોડાયા બાદ મારી આવકમાં વધારો થતાં આત્મનિર્ભર બની છું. જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર.
અમરેલી દૂધ ઉત્પાદક મંડળી સાથે જોડાયેલા શ્રી સેજલબેન લુણાગરીયા જણાવે છે કે, સહકાર વિભાગની સ્થાપનાથી પશુપાલનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. સહકારી મંડળીના સભાસદોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. અમારો પરિવાર પશુપાલન વ્યવસાય પર નભે છે. ત્યારે સરકારનો આભાર કે અમારા જેવા પશુપાલકો અને ખેડૂતોની ચિંતા કરીને અનેક યોજનાઓ અમલી કરી છે.