
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ;
પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મુકતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ {સાત્વિક આહારના સમન્વયથી બીમારીઓ સામે રક્ષણ શક્ય }
{સારાં સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક અને ગુણવત્તાસભર મિલેટ આહાર અત્યંત આવશ્યક છે}
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે ‘શ્રી અન્ન’ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે} – મંત્રી નરેશભાઈ પટેલ
બી.આર.ફાર્મ ખાતે મિલેટ્સ વાનગીઓ-પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો બન્યા આકર્ષણનું કેન્દ્ર;
શહેરીજનોને મિલેટ મહોત્સવનો લાભ લેવા નવસારી મહાનગરપાલિકા મનપા અને વહીવટી તંત્રનો અનુરોધ
સરકાર તરફથી મળતા પ્લેટફોર્મના કારણે મિલેટ અને પ્રાકૃતિક ઉત્પાદનોને વધુ ઓળખ અને બજાર મળી રહ્યું છે. – પરિમલભાઈ દેસાઈ ( ખેડૂત અગ્રણી )
નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે ‘શ્રી અન્ન’ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે.
મંત્રી નરેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. કૃષિ મહોત્સવ જેવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થકી નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલ તથા મહાનુભાવોએ મિલેટ મહોત્સવમાં વિવિધ જિલ્લામાંથી પ્રદર્શિત થયેલ તમામ સ્ટોલનું રૂબરૂમાં મુલકાત લઇ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ મિલેટ તથા પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનિત કરાયા હતા . આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરીએ મિલેટ મહોત્સવની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, મિલેટ મહોત્સવનો મુખ્ય હેતુ “ધરતીનું સોનું” તરીકે ઓળખાતી મિલેટ પ્રોડક્ટ્સ અંગે શહેરના નાગરિકોને માહિતગાર કરવો તથા સ્વાસ્થ્યવર્ધક આહાર તરફ પ્રોત્સાહિત કરવાનો છે.આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો .
આ પ્રસંગે નવસારીના ખેડૂત અગ્રણી પરિમલભાઈ દેસાઈએ અભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ,’ સરકાર દ્વારા મળતા આવા પ્લેટફોર્મથી મિલેટ અને પ્રાકૃતિક ઉત્પાદનોને નવી ઓળખ, યોગ્ય બજાર અને સીધી ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી રહી છે, જેના કારણે ઉત્પાદકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધીને તેઓ વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરફ આગળ વધી રહ્યા છે.
નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ , મિલેટ્સમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. નવસારી કૃષિ યુનીવર્સીટી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારીના નગરજનોને આ બે દિવસીય મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર ગૌરાંગ વાસાણી , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , સ્થાનિક અગ્રણી ભુરાભાઈ શાહ , પીયુષભાઈ દેસાઈ તથા ખેડૂતો અને નવસારીના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






