અંકલેશ્વરમાં સ્ક્રેપના ૮ ગોડાઉનમાં ભીષણ આગઃ૬ કલાક સુધી ૧૨ ફાયર ટેન્ડરે આગ પર કાબૂ મેળવ્યો, ગેરકાયદે ગોડાઉન સામે કાર્યવાહીની તૈયારી


સમીર પટેલ, અંકલેશ્વર
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા નોબેલ માર્કેટમાં ગંભીર અગ્નિકાંડ સર્જાયો છે. ૧૪ માર્ચે સમીસાંજના સમયે સ્ક્રેપના ગોડાઉનમાં શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં કુલ ૮ ગોડાઉન આવી ગયા હતા.
આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર, ભરૂચ, પાનોલી અને ઝઘડિયા તેમજ ખાનગી કંપનીના મળી કુલ ૧૨થી વધુ ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે ૭૦થી વધુ રાઉન્ડ કરી છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે સ્ક્રેપના ગોડાઉન સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા માંગવામાં આવશે. મહત્વની વાત એ છે કે નેશનલ હાઇવેને અડીને આવેલા મોટાભાગના સ્ક્રેપ ગોડાઉન તંત્રની પરવાનગી વગર જ ધમધમી રહ્યા છે.
આગના કારણે નજીકના ભદકોદ્રા ગામના રહીશોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પર્યાવરણવાદીઓએ સિસ્ટમ અને ઉદ્યોગોની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવાની માંગ કરી છે. સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર માત્ર નોટિસથી જ સંતોષ માની રહ્યું છે.



