ભરૂચમાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ:140 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અચાનક આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. પવન સાથેના વરસાદના કારણે લગભગ 140 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આડીસી એન.આર.ધાંધલ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી. તેમણે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે. વીજ કંપની દ્વારા દૂરસંચાર અને વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જંગલ વિસ્તારો અને ગ્રામીણ રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. તંત્રએ આ માર્ગો સાફ કરીને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કર્યા છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.




