GUJARAT

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, પ્રભારી મંત્રી ઇશ્વર પટેલે ધ્વજ લહેરાવ્યો

નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, પ્રભારી મંત્રી ઇશ્વર પટેલે ધ્વજ લહેરાવ્યો

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૬ની નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી ગરૂડેશ્વર તાલુકાના SSNNL ગ્રાઉન્ડ-એકતાનગર ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. મંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું હતું.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતીય બંધારણના ઘડવૈયાઓને નમન કરવાનો અવસર છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા બંધારણસભાના સભ્યોએ ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્યો પર આધારિત એવું મજબૂત બંધારણ આપ્યું છે, જેના કારણે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત “વિકસિત ભારત ૨૦૪૭”ના સંકલ્પ સાથે તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. “સૌનો સાથ–સૌનો વિકાસ–સૌનો વિશ્વાસ–સૌનો પ્રયાસ”ના મંત્ર સાથે ગુજરાત દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એક્તાનગર ખાતે માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પંદર દિવસ સુધી ચાલેલા આ પર્વમાં ભારતની અનેક્તામાં એક્તા પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

૩૧મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જીલ્લાને, ૧૨૨૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સાથે જ સમગ્ર આદિવાસી સમાજ માટે રૂા. ૩૪૧ કરોડના ખર્ચે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું લોકાપર્ણ અને રૂા. ૨૫૭ કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝીયમ નિર્માણાધીન છે. જેના દર્શન માત્રથી ધન્યતા અનુભવાય છે એવી માં નર્મદાની પરિક્રમાએ આવતા પરિક્રમાવાસીઓ માટે વિશેષ માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેના કારણે ગત વર્ષે ૮.૧૦ લાખ જેટલા પરિક્રમાવાસીઓએ માં નર્મદાની આરાધના કરી છે, સાથે જ આદિવાસી વિકાસ યોજના હેઠળ નર્મદા જીલ્લાની “એસ્પિરેશનલ ડીસ્ટ્રીકટ” હેઠળ પસંદગી કરવામાં આવી છે. વહીવટી સરળતા તથા પ્રજાભિમુખ વહીવટને ધ્યાને રાખી ઓક્ટોબર-૨૦૨૫થી રાજયના ૧૭ જેટલા નવા તાલુકા પૈકી નર્મદા જીલ્લાના ચીકદા તાલુકાની રચના કરવામાં આવી છે. જેથી વિવિધ સરકારી યોજનાઓના લાભો પ્રજાજનો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે.

 

જનનાયક ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં વર્ષ ૨૦૨૫ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવામાં આવ્યું. આપણા જિલ્લામાં જ દેડીયાપાડા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રૂા. ૯,૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ થયું. બે જનજાતીય રથયાત્રાઓ દ્વારા આદિવાસી ચેતનાને મજબૂત બનાવવામાં આવી અને ૫ લાખથી વધુ લોકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

 

એકતાનગર સ્થિત SSNNL ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ, જિલ્લા પોલીસની ગુના શોધક ટીમનો ડોગ શો, ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાની વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન સુરક્ષા, રમત વિભાગ, આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનારા કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા માર્ગ અકસ્માતના સમહેય ઈજાગ્રસ્તને પ્રથમ મદદ કરી જીવતદાન આપનાર રાહવીરોને મંત્રીના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરૂડેશ્વર તાલુકાના વિકાસ કાર્યો માટે મામલતદારને મંત્રીશ્રીના હસ્તે રૂપિયા 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!